Wednesday, August 06, 2025

ખાંડની પુતળી રે...

અહીં વાત છે એક શુદ્ધ હૃદય અને એણે એકાએક સાંભળેલા એક પોકારની. પોકાર એવો, જે ન અણસૂણ્યો થાય. એવું સત્ય, જેને સૂણીને નકારી ન શકાય. જેને મળતાં સહસ્રાબ્દીઓની પિછાણ તાજી થાય.

વાત છે સ્વયં તલ્લીન થઈ સર્વસ્વ મેળવવાની, સીમિત વૃત્તિઓને પાર એવાં અસીમને પામવાની. એવું વરસતું અમૃત, જે કોઈ પામ્યાં તો સ્વયં જ અમીમય બની ગયાં, ભીતર સર્વદા રહેલી મધુરતા હવે સર્વત્ર વહાવતા ચાલ્યાં.


પ્રસ્તુત છે,

ખાંડની પૂતળી 

સોનારેખ છુપાઈ સૂરજની, સાંજની ઢળી ગઈ લાલી, 
એકલ બેઠી'તી, ત્યાં બિનમોસમ વરસી વાદળી કાલી.
ઝરૂખેથી જોતા ઝીણી ઝરમર લાગી એવી વ્હાલી,
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ભીની ભીની માટી અને ભીનો તુલસી ક્યારો,
ભીના નયણાં ભુલાવી દેતો ઝાંખો એક તારો.
ફોરમ ને ઉજાસ એ માણી, પૂરણ પામવા હાલી,
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ફોરાં ઝીલવાને ફેલાવ્યા એના ઉજળા ઉજળા હાથ, 
એકપળમાં ઓળખી ગઈ જાણે જનમ-જનમનો સાથ.
મીઠી મીઠી સેર ત્યાં ટપકી, ધરતી લેતી ઝાલી.
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ના ના કહેતા ફળીયાનો કોણ સુણે છે સાદ?
સીમાડા કૂદી વહેવાનો જેને લાગ્યો છે નાદ!
લેશ ન રહ્યું શેષ, એવી શૂન્યતામાં એ મ્હાલી.
જો ખાંડની પૂતળી રે મધુરું ઝરણું થઈ વહી ચાલી!

~ BhairaviParag

No comments:

Post a Comment